વેકેશન માં બાળકોને સામાજિક બનાવો.

વેકેશનમાં બાળકોને સામાજિક બનાવો....

આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકને ભણતરની સાથે ગણતરની પણ જરૂર હોય છે. કોઈપણ વ્યક્તિ ભણેલો હશે પણ ગણેલો નહિ હોય તો એના ભણતરનો કોઈ જ મતલબ રહેતો નથી.માટે જ કેટલીક વાર અભણ વ્યક્તિ ભણેલાને ભારે પડે છે

                       

વ્યક્તિ ને ભણતર આપવાનું કામ શાળા અને કોલેજ કરે છે. પણ તેને ઘડવાનું કામ કુટુંબ, સમાજ અને તેની આસપાસનું વાતાવરણ કરે છે. આ સત્ય અને વાસ્તવિક ઉપરાંત મનોવૈજ્ઞાનિક બાબતોને કેટલાક વાલીઓ સમજતા કે સ્વીકારતા નથી. માટે તો આખું વર્ષ શાળા કોલેજોમાં ભણવા મોકલ્યા પછી પણ વેકેશનમાં ક્લાસીસ મોકલીને વધારે હોશિયાર બનાવવાના અવાસ્તવિક પ્રયત્નો કરે છે. અરે ભાઈ! તેની ઉંમર પ્રમાણે તેને શાળા કોલેજમાં શિક્ષણ અપાય જ છે તમારા બાળકે મેળવેલ શિક્ષણ તમારા માટે ઓછું પડે છે. ખરેખર વિચારવા જેવું એ છે કે બાળકમાં શું છે? 
કોલેજમાં કે ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતા તમામ બાળકને પૂછો કે ભાઈ એક કિલો બટાકા નો ભાવ કેટલો છે? સવારે તુજે પેસ્ટથી દાંત સાફ કરે છે તે ટેસ્ટ અને બ્રશ નો શું ભાવ છે? તને ફ્યુઝ બાંધતા આવડે છે? તને દીવાલમાં સ્ક્રુ કે ખીલી મારતા આવડે છે? બસ કે રેલવે સ્ટેશન નું સમયપત્ર જ આવડે છે? સરકારી ખાતામાં કોઈ કામ માટે અરજી કરતા આવડે છે? બેંકના કામકાજ તને આવડે છે? પાણીમાં તરતા આવડે છે? પોતાનો પરિચય યોગ્ય રીતે આપતા આવડે છે? ઈસ્ત્રી કરેલા કપડા વાળતા આવડે છે? શાકભાજી કે કરિયાણું ખરીદતી વખતે તેની કિંમત અભણ વેચનાર કરતા ઝડપથી કરતા આવડે છે? આવી ગણી બાબતો તમારા બાળકોને આવડતી હોય તો જ માનજો કે તેનો સર્વાંગી વિકાસ થયો છે. નહીં તો એ ભણ્યો છે પણ ઘડાયો નથી. તેને ઘડવાનું કામ વાલી એ જ કરવાનું છે તમારા બાળકને તમે જેટલું ઓળખો છો તેટલું અન્ય કોઈ ઓળખી શકશે નહી અને તેના માટે જેટલો તમને પ્રેમ છે તેટલો પ્રેમ અન્ય કોઈ કરી શકવાનું નથી. તો બાળકની કેટલીક જવાબદારી વાલી એ પોતે જ નિભાવવી જોઈએ, બીજા પર ન છોડી શકાય. ઉપરોક્ત આપેલ ઉદાહરણ શાળા-કોલેજમાં શીખવા નહીં મળે, પણ જો તેવી બાબતો નહીં આવડતી હોય તો તે પોતાનું જીવન સરળતાથી અને સુખમય રીતે જીવી શકે નહીં. આવી અનેક બાબતો તે ઘરમાંથી કે પડોશમાંથી કે સમાજમાં અન્ય જગ્યાએથી જ શીખી શકશે. માટે તેને શૈક્ષણિક જગ્યાએ 10 માસ મોકલ્યા પછી સામાજિક જગ્યાએ તો એકાદ માસ મોકલો. 

બાળક રોકવા માટેના કેટલાક વાલીના કેટલાંક પ્રયત્નોને યાદ કરીએ.વેકેશનમાં ઘરમાંથી ભાગ્યે જ બહાર નીકળવા દેવો. ઘરમાંથી બહાર ન જાય એટલા માટે વિડીયો ગેમ કે ફિલ્મની ડીવીડી જોવા લાવી આપવી. વેકેશનમાં જ કશુંક શીખવા માટેના ક્લાસ ભરવવા. પણ આ વાલી એટલું કેમ નથી સમજતા કે દસ માસ એક જ ધોરણમાં ભણીને તે જે શિક્ષણ મેળવે છે તેનાથી પણ જો તમને સંતોષ ન મળતો હોય તો બે ત્રણ અઠવાડિયામાં કશુંક શીખવા જશે અને તેનાથી મેળવેલ જ્ઞાન કૌશલ્યથી તમને સંતોષ થશે?

વાલી મિત્રોએ વિચારવા જેવા કેટલાંક પ્રશ્નો. તમે તમારા બાળકને તેના મિત્રો સાથે છૂટથી રમવા જવા દો છો? તેના તમામ મિત્રોને તમે ઓળખો છો? તમારા મામા- માસા- ફુવાના નામ આવડે છે? તેને વર્ષ દરમિયાન તેના કાકા મામા વગેરે સગાં ના ઘરે કેટલા દિવસ માટે રહેવા મોકલો છો? આ ઘટના નહીં બનવાને કારણે જ બાળકો સગા ને વ્હાલા ગણતા નથી. 

હકીકતમાં વેકેશનમાં દરેક વાલીએ બાળકને પોતાના સગાવ્હાલા ને ત્યાં મોકલવા જોઈએ અને સામે પક્ષેથી બાળકોને આવકારવા જોઈએ. આમ કરીને બાળકને સામાજિક બનાવવા માટેની તક ઝડપી લેવી જોઈએ. પછી તો શાળા-કોલેજ ખૂલશે ત્યારે મોટાભાગના વાલી બાળકને સગા વ્હાલાં ને ત્યાં મોકલવાના નથી, પણ સારા પ્રસંગે સાથે પણ નથી લઈ જતા. માટે તો વેકેશન નો ઉપયોગ ભણતર માટે નહીં સામાજિક ઘડતર માટે કરવો જોઈએ. આજે ઘણા બાળકો ભણવામાં જેટલા હોશિયાર હોય છે તેટલા કૌશલ્યાત્મક રીતે ક્યારેક નથી હોતા. તેમાં પણ સામાજિક કૌશલ્ય કે ભાગ્યે જ જોવા મળે છે.

આપણા ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે તેને કેવી રીતે આવકાર આપવો કે તેમની સાથે કેવી રીતે વર્તન કરવો તે ઘણા બાળકોને શીખવાની જરૂર છે- એવા ઘણા બાળકો છે કે જેઓ મહેમાન આવતા બીજા રૂમમાં ચાલ્યા જાય છે અથવા તો મમ્મી પપ્પા ઘરે નથી તેમ કહીને બારણું બંધ કરી દે છે આવી બાબતો શીખવા માટે શહેરના બાળકોને ગામડા માં મોકલવા જોઈએ. આજે પણ ગામડાંઓનું ભોળપણ શહેરની બુદ્ધિ કરતાં અનેક રીતે ચઢિયાતો લાગે છે.ગામડાના બાળકો બુધ્ધુ નથી હોતા ભોળા હોય છે. જેને શહેરના કેટલાક કહેવાતા બુદ્ધિશાળી લોકો ગવાર તરીકે ખપાવે છે. હકીકતમાં ગવાર લાગતા એ બાળકો કે વાલી પાસેથી આજે શહેરના કહેવાતા બુદ્ધિશાળી લોકો એ ઘણું શીખવાનું છે. આવું જો કોઈ વાલી ન કરી શકતો હોય તો વાંધો નથી તેની અડધી જિંદગી ગઈ પણ પોતાના બાળકોને શીખવા દો. વેકેશનને અવસર માનીને બાળકને બુદ્ધિશાળી કરતા સામાજિક બનાવવાની તક ઝડપી લેવી જોઈએ


Post a Comment

0 Comments